ખજૂર એ આપણા શરીર માટે પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. તેમજ ખજૂર એ અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે. ખજૂરને “ખજુરી” અને “છુહીરા”ના નામથી પણ ઓળખવામાં આવે છે. ખજૂર માનવ શરીર માટે રૂચિકર, મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. ખજૂર અગ્નિ વર્ધક તથા માનવ હ્રદય માટે હિતકારી છે. જે ખાવાથી શરીરમાં રહેલા કફ, પિત્ત,વાત અને અનિદ્રા નાશક છે. ખજૂરમાં વિટામીન એ, બી અને સી પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટીશિયમ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આર્યન વગેરે તત્વો હોય છે. એક કીલો ખજૂર ખાવાથી આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરનું નિયમિત સેવન શરીર માટે લાભકારી છે. ખજૂરનું સેવન આંતરડાની બીમારીમાં ફાયદાકારક હોય છે.
ખજુરને એક મીઠા ફળ તરીકે ઓળખવામાં આવે છે. ખજૂરમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર ખાવાથી શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે અને એ તમારા શરીરમાં શક્તિ વધારે છે. જે લોકોને પેટની બીમારી હોય છે, પેટમાં થતાં દર્દથી વારંવાર પરેશાન રહે છે, તેવા લોકોને સવારે ખજૂર જરૂર ખાવી જોઈએ. ખજૂરમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે. જે તમારા શરીરમાં પાચનશક્તિને મજબૂત બનાવે છે અને જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.
સવારે ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાના ફાયદા
આપણને દરેકને ખબર છે કે ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં ઘણા એવા પોષકતત્વ હોય છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી છે. ખજૂરમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી 6 અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે પરંતુ આ ખજૂરના મીઠા ફળને દરરોજ સવારે નરણા કોઠે ખાવામાં આવે તો આપણા શરીર પર તેની ઘણી અસર જોવા મળે છે. તેમજ ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. શરીરમાં જે ફેરફાર થાય છે તે નીચે મુજબ છેઃ
શરીરનું વજન ઘટશે
સવારે નરણા કોઠે ખજૂર ખાવાથી તમારા શરીરનું વજન ઘટવા લાગે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તે લોકોએ દરરોજ સવારે ઊઠીને પહેલા તો ખજૂરનું સેવન કરવું જરૂરી છે. તેમજ જે લોકો વજન ઘટાડવાનું મન બનાવી રહ્યા હોય કે પોતે ડાયેટ પ્લાન પર ઉતર્યા હોય તે લોકોએ વહેલી સવારે ઉઠી નરણા કોઠે ખજૂર ખાવી જરૂરી છે. આ ખજૂર ખાવાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી.
શરીરમાં શક્તિ વધશે
વહેલા સવારમાં ઉઠીને નરણા કોઠે ખજૂર ખાવામાં આવે તો શરીરમાં કમજોરી ક્યારેય આવતી નથી. દરરોજ ખાલી પેટ ખજૂરનું સેવન શરીરમાં આખો દિવસ એનર્જી જાળવી રાખે છે. આ ખજૂર મીઠા ફળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી તમારા શરીરમાં હીમોગ્લોબિનનું પૂરતા પ્રમાણમાં વધે છે અને તમારા શરીરને ઉર્જાથી ભરી દે છે.
પાચનશક્તિ મજબૂત થશે
આપણા શરીરમાં જમા થતાં ગેસના કારણે પેટમાં દુખવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકો પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેમણે સવારે નરણા કોઠે ખજૂર જરૂર ખાવી જોઈએ. ખજૂરમાં હાજર રહેલ ફાઈબર તમારી પાચનશક્તિને મજબૂત બનાવે છે અને જેનાથી તમારા શરીરમાં થતાં કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઈ જાય છે.
મિઠાની ઇચ્છા ઘટે છે
આપણા ગુજરાતીઓને ગળ્યું ખાવાથી આદત હોય છે. આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે ગળ્યુ ખાધા વિના રહી શકતા નથી. પરંતુ આપણી આ આદત આપના શરીરમાં મેદ સ્વીપણુ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ પેદા કરે છે. આ બિમારીથી બચવા માટે ખજૂર ખાવી એ શરીર માટે ખૂબ જરૂરી છે. આ ખજૂર ખવાથી મીઠું ખાવાની ઈચ્છા એટલે કે સ્વીટ ક્રેવિંગ ઘટે છે. તેમજ તમે શરીરને વધુ મીઠુ ખાવાથી થતી બીમારીઓથી બચાવી શકો છો.
કાળી ખજૂરનું સેવન કેવી રીતે કરવું?
આપણે રોજ રાત્રે સૂતાં પહેલાં ગરમ દૂધ સાથે કે દૂધમાં કાળી ખજૂર ઉકાળીને ખજૂરનું સેવન કરવું જોઈએ. રોજ રાત્રે 3-4 કાળી ખજૂરને પાણીમાં પલાળી રાખીને અને સવારે ઊઠી તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય ખજૂરનો શેક અને સ્મૂધી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. ખજૂરના લાડુ બનાવીને પણ ખાઈ શકાય છે. નાના બાળકો જે ખજૂર નથી ખાતા હોતા તેમના માટે ખજૂર અને આમલીની ચટણી બનાવી તેમજ ડ્રાય ફ્રુટ નાખીને લાડુ બનાવી ખવડાવી શકાય છે.
કાળી ખજૂર
આ કાળી ખજૂર તમને બજારમાં અલગ-અલગ પ્રકારની જોવા મળી આવે છે. જે તમને ભીની, સૂકી, પીળી, ભૂરી અને કાળી ખજૂર મળે છે. તમે શરીરને સ્વસ્થ બનાવવા માટે ખજૂરનું કોઈપણ રૂપમાં સેવન કરી શકો છો. જે આપના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે.
કાળી ખજૂર ખાવાના ફાયદા
કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં ઑક્સિજનનું સ્તર વધારવાની સાથે-સાથે લાલ રક્ત હિમોગ્લબિન કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે. કાળી ખજૂર શરીરમાં રહેલા લોહીની ઉણપને દૂર કરે છે. એનીમિયાના દર્દીઓને ખજૂર ખાવી ખુબજ ફાયદકારક છે. પેટને સ્વસ્થ રાખવા માટે કાળી ખજૂર ખૂબજ ફાયદાકારક ગણાય છે.
કાળી ખજૂર હાડકાં માટે ફાયદાકારક ગણાય છે
શરીરમાં કેલ્શિયમની ઉણપ ખજૂર ખાવાથી દૂર થાય છે. આપણા શરીરમાં હાડકાંના ફ્રેક્ચરનું જોખમ ઓછું કરવાની સાથે-સાથે કાળી ખજૂર હાડકાંને મજબૂત પણ બનાવે છે. કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. જે શરીરમાં હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખજૂરના સેવનથી દાંત અને પેઢાંને મજબૂત થાય છે.
કાળી ખજૂર હિમોગ્લોબિનનું સ્તર વધારે છે
કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે ઑક્સિજનનું સ્તર વધારવાની સાથે-સાથે લાલ રક્ત હિમોગ્લબિન કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે. કાળી ખજૂર શરીરમાં રહેલી લોહીની ઉણપને દૂર કરે છે. જાણકાર લોકો દ્વારા એનીમિયાના દર્દીઓને ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે.
કાળી ખજૂર પાચનતંત્રને મજબૂત બનાવે છે
શરીરમાં પેટને સ્વસ્થ રાખવા માટે કાળી ખજૂર ખૂબજ ફાયદાકારક ગણાય છે. કારણ કે, કાળી ખજૂરમાં ડાઈટ્રી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ શરીરમાં પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાની સાથે-સાથે પેટને પણ સ્વસ્થ રાખે છે. કાળી ખજૂરના સેવનથી ગેસ, અપચો, એસિડિટી, ખરાબ પાચન જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે.
કાળી ખજૂર બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
કાળી ખજૂર ખાવાથી મેગ્નેશિયમ, પોટેશિયમ જેવાં મિનરલ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બહુ મદદ કરે છે. જે કાળી ખજૂરમાં ભરપૂર માત્રામાં હોય છે. કાળી ખજૂર લોહીમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
કાળી ખજૂર હ્રદયરોગનું જોખમ ઓછું કરે છે
શરીરમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે તો, હ્રદય રોગનું જોખમ પણ વધે છે. પરંતુ જો તમે કાળી ખજૂર ખાવ તો તેને નિયંત્રિત કરી શકાય છે અને ખજૂર તમારા દિલને સ્વસ્થ રાખે છે. કાળી ખજૂર તમને હાર્ટ અટેક, ફેલિયર અને સ્ટ્રોક જેવી અનેક સમસ્યાઓથી બચાવે છે.
ખજૂરની ખેતી
ખજૂર પૃથ્વી પર ઉગાડવામાં આવતું સૌથી જૂનામાં જૂનું વૃક્ષ છે. ખજૂરના છોડ લગાવવા માટે રેતાળ અને ચિકણી માટીની જરૂર હોય છે. એવામાં ખજૂરની ખેતી શરૂ કરતા પહેલા ખેતરની માટી હળથી પલટાવીને ઉંડુ ખેડાણ કરવામાં આવે છે. ત્યાર બાદ ખેતરને થોડા દિવસો માટે ખુલ્લું છોડી દેવામાં આવે છે. ત્યારબાદ કલ્ટીવેટર દ્વારા 2-3 વખત ફરીથી ખેડાણ કરવામાં આવે છે. આ રીતે જમીનમાં ફેરફાર કરવાથી ખેતરની માટી ચિકણી થઈ જાય છે. ત્યાર પછી ખેતરને સમતોલ કરીને તેના પર ગોબરનું ખાતર નાખવામાં આવે છે. આ રીતે ખજૂરની ખેતી કરવામાં આવે છે.
ખજૂરના છોડને વધુ પાણીની વધારે પ્રમાણમાં જરૂર હોતી નથી. વાતાવરણમાં જેટલી ગરમી વધારે પડે છે, ખજૂરનો છોડ એટલો જ ઝડપથી આગળ વધે છે, મોટો થાય, વિકાસ થાય છે. ખજૂરના ફળને એટલે કે ખજૂરને પકવવા માટે 45 ડિગ્રી તાપમાનની જરૂર હોય છે. ખજૂરના છોડની રોપણી માટે ઓગષ્ટનો મહિનો મહત્વનો માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં ખજૂરના છોડની વાવણી કરવામાં આવે છે.
ખજૂરમાં કેલ્શિયમ, ખાંડ, આયર્ન અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત રહેલો હોય છે. આ ખજૂરનો ઉપયોગ ઘણા સામાજિક અને ધાર્મિક તહેવારોમાં પણ થાય છે. આ ઉપરાંત, ખજૂરના સેવનથી ઘણા શરીરને સ્વાસ્થ્ય માટેના લાભો છે. જેમ કે, ખજૂર ખાવાથી કબજિયાત, હ્રદય રોગ, ઝાડા જેવા રોગોને નિયંત્રણમાં રાખવું અને ગર્ભાવસ્થામાં મદદ કરે છે. ખજૂરનો ઉપયોગ વિવિધ ઉત્પાદનો જેમ કે ચટણી, અથાણું, જામ, જ્યુસ અને અન્ય બેકરી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે.
ખજૂરના વૃક્ષો ક્યાં ઉગે છે?
ખજૂરના વૃક્ષો ઓછા વરસાદવાળા અરબસ્તાન, ઇરાક અને ઈરાન ખજૂર ઉગાડવા માટેના મૂળ પ્રદેશો છે. ખજૂર એ ઇઝરાયલ, ટાંગાનિકા, મૅક્સિકો, રશિયા, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, કૅલિફૉર્નિયા વગેરે દેશોમાં થાય છે. ભારતમાં ખજૂરનું વાવેતર કચ્છ, પંજાબમાં અબોહર, રાજસ્થાનમાં જોધપુર, હરિયાણામાં હિસાર વગેરે સ્થળોએ થાય છે.
ખજૂર ક્યારે ખવાય?
શરીરમાં રહેલી કબજિયાત દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવામાં આવે છે. ખજૂરમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તેથી ખજૂર ખાવાથી પેટની સમસ્યાઓ અને કબજિયાત દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ નરણા કોઠે ખજૂર પલાળીને અથવા તો ખજૂરની પેશી ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે.
ખજૂરને દૂધ સાથે ખાવાના ફાયદા
ખજૂર અને દૂધ બંનેનું સેવન શરીરમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો શિયાળાની ઋતુમાં દૂધ સાથે ખજૂર ખાવામાં આવે તો તેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ખરા ફાયદા થાય છે. લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણી કોશિશ કરે છે. આજના જમાનામાં લોકો આ માટે નિયમિત કસરતની સાથે હેલ્ધી ડાયટ પણ લેવામાં આવે છે. આવું જ એક મિશ્રણ દૂધ અને ખજૂરનું છે. જે શરીરને સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે. જો તમે તમારા શરીરમાં થાક અથવા નબળાઈ અનુભવો છો, તો દૂધ અને ખજૂરનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ખજૂર અને દૂધનું સેવન શરીરને ઉર્જાવાન બનાવે છે. શરીર તાકાતવાન અને શક્તિશાળી બને છે.
શરીરમાં એનર્જી લેવલ
જ્યારે શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી હોય છે, ત્યારે શરીરમાં સુસ્તી અનુભવવા લાગે છે અને શરીરનું એનર્જી લેવલ ઘટી જાય છે. આ સમયે, તમારા શરીરને ઉર્જાવાન અને શક્તિશાળી બનાવવા માટે દૂધ સાથે ખજૂરનું સેવન કરવું એક ખૂબ સારો વિકલ્પ બની શકે છે. ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ઘણો હોય છે. આવી સ્થિતિમાં, જો નાસ્તામાં દૂધ સાથે ખજૂર લેવામાં આવે તો તે લાંબા સમય સુધી તમને ભુખ લાગતી નથી. તેમજ તમારું પેટ ભારે જ નથી લાગતું, પરંતુ લાંબા સમય સુધી તમારું એનર્જી લેવલ પણ સરસ રાખે છે.
શરીરમાં એનિમિયા
ઘણા લોકો પોતાના શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયાની ફરિયાદ કરતા હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આયર્ન એ આપણા શરીરમાં લોહી વધારનાર તત્વ છે. જે લોકો એનિમિયાથી પીડિત છે, તેમને ખજૂર ખાવાથી ઘણો ફાયદો થાય છે. જો રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે ખજૂર ખાવામાં આવે તો એનિમિયાથી પીડિત લોકોને ઘણી રાહત મળે છે.
ચામડીના રોગો
ખજૂર ખાવાથી શરીરની સ્કીન પર થતાં બળતરા અને ખંજવાળથી રાહત મળે છે. ખજૂરના સેવનથી ચહેરાનું રક્ત પરિભ્રમણ વધે છે અને તેના કારણે ત્વચા ચમકદાર બને છે. ખજૂર ખાવાથી ચહેરા પરનું તેજ વધે છે. શરીરની ચામડી પર થતા દાગ ધબ્બા, ફોલીઓ તેમજ સ્કિન કાળી પડી જવી વગેરે બાબતો ખજૂર ખાવાથી થતી નથી. સ્કિન પર ખુજલી થવી ગૂમડું નીકળવું એ ખજૂર ખાવાથી આ ચામડીના રોગમાં રાહત મળે છે.
શરીરની પાચનક્રિયા
ખજૂરમાં પણ પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે શરીરની પાચનક્રિયા અને આંતરડાની ગતિ સુધારવામાં મદદ કરે છે. શિયાળામાં ખજૂરનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી પાચનક્રિયામાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
ખજૂર અને ઘી સાથે ખાવાથી ફાયદા
શરીરમાં ખજૂર અને ઘી ના સેવનથી શરીરને પૂરતું પોષણ મળી રહે છે. આ રીતે નિયમિત પણે ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોજ 4-5 ખજૂરની પેશી ખાવી જ જોઈએ. શરીરમાં જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાઈ જવી જોઈએ.
ખજૂરના લાડુ
શિયાળામાં લોકો ખજૂરનો ખોરાક કરતા હોય છે. જે લોકો ખજૂર ખાય તેમનું શરીર ગરમ રહે છે. પરંતુ જો તમારા બાળકને ખજૂર પસંદ ન હોય અને ખાવામાં આનાકાની કરતું હોય તો તેને ખજૂરના લાડુ ખવડાવવા જોઈએ. ખજૂરના લાડુ બનાવતી વખતે તેમ ડ્રાય ફ્રુટ તેમજ ગાયનું દેશી ઘી ભેગુ કરીને આ લાડુ બનાવવા જોઈએ. જેથી બાળકો આસાનીથી તે લાડુ ખાઈ શકે. ખજૂરના લાડુ ખાવાથી બાળકોનું મગજ કોમ્પ્યુટર જેવુ તેજ થઈ જશે સાથે જ તમનામાં રહેલી શારીરિક નબળાઈઓ દૂર રહેશે.
7 thoughts on “Benefits of Khajur | ખજૂર ખાવાના ફાયદા”