ગુજરાતમાં આ વખતે મહાપર્વ નવરાત્રિ મહોત્સવને લઇને અત્યારથી ખાસ વ્યવસ્થાને લગતા સમાચારો સામે આવી રહ્યાં છે. આ વખતે ગુજરાતભરમાં આગામી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ 2024 યોજાશે.
નવરાત્રી
નવરાત્રી કે નવરાત્ર આ એક હિંદુ ઉત્સવ છે. જેમાં માંશક્તિ/દુર્ગાની પૂજા, આરાધના અને ગરબા કરવામા આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન માં શક્તિ/ દુર્ગાદેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિ એક વર્ષ માં ચાર વખત આવે છે જેમાં ચૈત્ર, આસો, મહા અને અષાઢ એમ આ ચાર માસમાં નવરાત્રિ આવે છે. આ ચારેય નવરાત્રિનું મહત્વ ભારતમાં ઘણું છે. આપણા ગુજરાતીઓ માટે બે મુખ્ય નવરાત્રી હોય છે: (1) ચૈત્ર નવરાત્રી અને (2) આસો માસની શારદીય નવરાત્રી. તો આપણે આ શારદીય નવરાત્રી વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું.
ગરબો એટલે શું?
છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. ગરબો શબ્દ દીપગર્ભ ઘટ, ‘ગર્ભ’ શબ્દનો અર્થ ‘ઘડો’ અથવા ‘ઘડું’ એવો થાય છે. છિદ્રવાળા ઘડાને ‘ગરબો’ કહે છે.”
ગરબે રમવું એટલે શું?
ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે. ગરબામાં 27 છિદ્ર હોય છે. 9 ની 3 લાઈન એટલે 27 છિદ્ર તે 27 નક્ષત્ર છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે. ઉદાહણરૂપે. 27×4=108
નવરાત્રીમાં આ ગરબાને વચ્ચે અથવા તો મધ્યમાં રાખી 108 વખત ગરબા રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આ ગરબા રમવાનું મહાત્મ્ય છે.
ગરબાનું મહત્વ
નવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબા નું ઉદગમ સ્થાન ગુજરાત છે. ગરબાને વૈશ્વિક સ્તર પર નવીન નૃત્યની ખ્યાતિ પ્રાપ્ત છે. જોકે વૈશ્વિક સ્તર પર પહોંચ્યા પછી પણ તેને ગુજરાતના લોકો “લોકનૃત્ય” તરીકે ઓળખે છે. આની સાથે રાસ દાંડિયા જે મૂળ વૃંદાવનનું લોકનૃત્ય છે.આ બન્ને લોકનૃત્યનો સંગમ આજના નવીન રાસ ગરબાની ઉત્પત્તિ છે.
ગરબા શબ્દ મૂળરૂપે ગર્ભદીપ શબ્દ છે. જ્યાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબે માંની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય સ્થાનીય ભાષાના ચલણમાં ધીમે ધીમે ફેરફાર થતા આ નૃત્યને ગરબા તરીકે ઓળખાણ મળી છે.
આસો નવરાત્રી 2024 ક્યારે શરૂ થઈ રહી છે? (શારદીય નવરાત્રી)
હિન્દુ પંચાંગ અનુસાર, આસો સુદ પક્ષની એકમ તિથિ 3 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 12:19 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 4 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 2:58 વાગે સમાપ્ત થઈ રહી છે. નવરાત્રિના પ્રથમ દિવસે 3 ઓક્ટોમ્બર, 2024 એ ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 6.15 થી 7.22 સુધીનો છે. આ તિથિના કારણે આસુ નવરાત્રી 3 ઓક્ટોબર, 2024થી શરૂ થઈ રહી છે અને 12 ઓક્ટોબરે, સમાપ્ત થશે. તેમજ આસો સુદ દશમ તિથિ 12 ઓક્ટોબરના રોજ વિજ્યા દશમી એટલે કે દશેરાની ઉજવણી થશે. આ સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.
શારદીય નવરાત્રી 2024
આસો માસની આ શારદીય નવરાત્રી 2024માં નવ દિવસ માતાજીની પૂજા આરાધના કરવામાં આવશે. આ નવરાત્રીમાં માતાજીની માંડવડી બાંધી માતાજીનો ફોટો અને ઘટનું સ્થાપન કરી માતાજીનો ગરબો મુકવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિ, આરતી, ગરબા અને આરાધના કરવામાં આવે છે. આ વખત શારદીય નવરાત્રીમાં માતાજી હાથી પર સવાર થઇને આવી રહ્યા છે. આ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત જાણો.
કળશ સ્થાપના અને મુહૂર્ત
આપણા દેશમાં સનાતન ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે કે નવ રાત. આ તહેવાર દરમિયાન દેવીના નવદુર્ગાના નવ સ્વરૂપોની વિધિપૂર્વક પૂજા આરાધના કરવાની સાથે કલશની સ્થાપના પણ કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આસો નવરાત્રિ આસુ સુદ એકમ થી નોમ તિથિ સુધી ઉજવાય છે. ત્યારબાદ દશેરાનો તહેવાર ઉજવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી 2024માં માતા આદ્યશક્તિ હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતની નવરાત્રી અત્યંત શુભ ફળ આપનાર છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવાની અને ઘટસ્થાપન કરવાની પરંપરા છે. વર્ષ 2024માં આસો નવરાત્રી નવ દિવસની છે. આ નવ દિવસ દરમિયાન લોકો માતાજીની આરાધના ભક્તિ અને ગરબે ઘુમે છે.
ચાલો જાણીએ આસો નવરાત્રીના કેલેન્ડર અને ઘટ સ્થાપનનો શુભ સમય.
ઘટ સ્થાપનાનું મુહૂર્ત
આસુ નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના અને માં નવદુર્ગાની પૂજા-આરાધના કરવામાં આવે છે. આસો નવરાત્રીનું પ્રથમ નોરતું 3 ઓક્ટોબરના રોજ છે. આસો નવરાત્રીના પ્રથમ નોરતે સવારે 6:15 થી બપોરે 7:22 સુધી કલશ સ્થાપિત કરવાનું મુહૂર્ત છે.
આસો સુદ નવરાત્રીમાં માતા દુર્ગા હાથી પર સવાર
શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે. આવી સ્થિતિમાં માતાજી કોઇને કોઇ સવારી પર સવાર થઇને આવે છે. આ વર્ષે નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં માતાજી હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. હાથીને જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘર આંગણે માતાજીનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવશે.
નવરાત્રીના નવ દિવસો આ એક-એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવીના કવચમાં આ નવ સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:
પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥
પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥
નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥
મા અંબા નવદુર્ગા – નવ સ્વરૂપો નવરાત્રિ આરાધના પર્વ
આપના દેશના સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે આ નવરાત્રીનુ મહત્વ ઘણું અનેરું છે. આ નવ દિવસ સુધીમાં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી મતાજીની આરતી, આરાધના જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આ એક માત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરૂપે કરવામાં આવે છે. નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણું મહત્વનો તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ નવ દિવસમાં અથવા તો નવા દિવસોમાં કયા દિવસે કયા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે તે વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ.
- પ્રથમ નોરતે માં શૈલપુત્રી
- બીજે નોરતે માં બ્રહ્મચારિણી
- ત્રીજે નોરતે માં ચંદ્રઘંટા
- ચોથે નોરતે માં કુષ્માંડા
- પાચમે નોરતે માં સ્કંદમાતા
- છઠ્ઠે નોરતે માં કાત્યાયની
- સાતમે નોરતે માં કાલરાત્રિ
- આઠમે નોરતે માં મહાગૌરી
- નવમે નોરતે માં સિદ્ધિદાત્રી
1.પ્રથમ નોરતે માં શૈલપુત્રીનું સ્વરૂપ
માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. શૈલપુત્રી એ પર્વતોના રાજા હિમાલયની પુત્રી છે. આ દેવી સર્વત્ર વિદ્યમાન છે. આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ છે. આ માંદુર્ગાને નોરતાના પ્રથમ દિવસે આ શૈલપુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિવસ છે. શ્રીમદ્ ભાગવતમાં, બ્રહ્માંજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે ”હું ન નર છું ન નારી છું અને ન તો કોઇ એવું પ્રાણ, જે નર યા માદા હોય કે કોઇપણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોઉ. નારી શક્તિની ભક્તિનું ભાવભર્યુ સ્વરૂપ એટલે પ્રથમ નોરતામાં માં દુર્ગાનું સ્વરૂપ શૈલપુત્રી.
શૈલપુત્રીનો અર્થ થાય છે હિમાલય પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરામ્બા પાર્વતીનું સ્વરૂપ છે. માં શૈલપુત્રી અંખડ સૌભાગ્યની દાતા છે. કોઇપણ પ્રકારની સિદ્ઘિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા માટે માંના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે.
પોતાનું ધ્યાન શરીરમાં આવેલા મૂલાધાર ચક્ર પર કેન્દ્રિત કરીને નીચેના મંત્ર સાથે શૈલપુત્રીનું ધ્યાન ધરો…
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
2. બીજે નોરતે બ્રહ્મચારીણીનું સ્વરૂપ
બ્રહ્મચારીણી માની ઉપાસના થકી તપ, જ્ઞાાન, ભક્તિ ભાવ અને વૈરાગ્યના ઉદય થઇ તેનો વ્યાપ વધે છે. માં બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય, ભવ્ય છે. આ તપની ચારીણી એટલે કે તપના આચરણ કરવાવાળી, તપ વિના તૃપ્ત ન થવાય, કસોટી વિના સોના – સુવર્ણ જેવા ન થવાય એવું દર્શાવતાં મા અણિશુધ્ધ બનવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવેલ છે. સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી, અજ્ઞાાનના અંધકારને દૂર કરી આત્માને ઉજાળી અજવાળી કરનારી સચ્ચિદાનંદમયી બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે જ બ્રહ્મચારીણી મા.
બ્રહ્મચારિણી દેવીનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું પાલન કરનાર દેવી. માંનું સ્વરૂપ તપસ્વી સ્વરૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ પણ આપણે પહેલા સમજી લેવાની જરૂર છે. આ શબ્દ 2 શબ્દથી બન્યો છે. “બ્રહ્મ એટલે કે તપ અને ચર્ય એટલે તેમાં વિહાર કરનાર.” અર્થાત તપમય જીવન જીવવાવાળી.
તમારી વ્રત પૂજામાં આવતી કોઇપણ બાધા અને સમસ્યાને દૂર કરવા માટે માં બ્રહ્મચારિણીનું ધ્યાન ધરીને પૂજા કરો.
दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥
3. ત્રીજે નોરતે ચંદ્રઘટાનું સ્વરૂપ
મા અંબાનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘટાનું છે. તેની આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે. ચંદ્રઘટામાની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે.
ચંદ્રઘંટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાન ઘંટ સાથેની દેવી. આ સ્વરુપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે. જે તમામ નકારાત્મક શક્તિનું નાશનું પ્રતિક છે. આ સ્વરૂપના માં ના પૂજન અર્ચન અને ધ્યાનથી માં પોતાના ભક્તોના જીવનમાં ચંદ્રની શીતળતા જેવો આનંદ આપે છે અને તેની આસપાસ રહેલી નકારાત્મકતાનો નાશ કરે છે.
માંનું આ સ્વરૂપ ભક્તોના તમામ ભયને હરી લઇને તેમને નિર્ભયતાનું વરદાન આપે છે આ છે તેમના ધ્યાન માટેનો મંત્ર…
पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥
4. ચોથે નોરતે કુષ્માન્ડાનું સ્વરૂપ
ચોથે નોરતે મા કુષ્માન્ડાનું સ્વરૂપની આરાધના કરવાની હોય છે. માં આ આરાધના કરનારને રોગ મુક્તિ, દુ:ખ મુક્તિ, શોક મુક્તિ, ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે. માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે. મા તો આપણને હંમેશા હસતા મલકતા મુખડે જોવા મળે છે.
કૂષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે. માં આદ્યશક્તિના આ સ્વરુપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રો માને છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે.
આ સાથે જ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઇપણ રોગથી મુક્તિ મેળવવા માટે આ મંત્રથી માં કૂષ્માંડાનું ધ્યાન કરવું જોઇએ.
वन्दे वांछित कामर्थेचन्द्रार्घकृतशेखराम्।
सिंहरूढाअष्टभुजा कुष्माण्डायशस्वनीम्॥
5. પાંચમે નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ
નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે. જેની આરાધના પાંચમે નોરતે કરીએ છે જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વગતિ કરનારી છે. એ માં જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતારૂપે માતૃત્વશક્તિને ઉજાગર કરે છે. માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે. આથી આ મૈયા સ્કંદમાતા તરીકે પ્રસિધ્ધ છે. આ સ્કંદમાતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે. એ પુત્રદાયી છે.
મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે. અને તેની જ માતા એટલે કે બાળ કાર્તિકેયની માતા પાર્વતિનું આ સ્વરુપ સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે. દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણે માતાના આ સ્વરૂપની પૂજાથી સંતાન પ્રાપ્તિનો મનોરથ પૂર્ણ થાય છે. તેમજ વંશ આગળ વધે છે. વાંઝિયાપણાનો શ્રાપ દૂર કરવા માટે આ માતાનું ધ્યાન ધરીને તેમની સાધના કરવી જોઇએ.
Read More : જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ માહિતી | Janmashtami 2023
दशहरा पर्व 2023 | Dussehra Festival 2023
नमामि स्कन्दमाता स्कन्दधारिणीम्।
समग्रतत्वसागररमपारपार गहराम्॥
6. છઠ્ઠું નોરતે કાત્યાયની માનું સ્વરૂપ
મા દુર્ગા અને અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે. જેની આરાધના – સાધના છઠ્ઠે નોરતે કરવાથી રિધ્ધિ – સિધ્ધિ પ્રાપ્ત થાય છે. દેવો, ઋષિઓ, મહર્ષિઓના કાર્યો સિધ્ધ કરવા વિશે આ માએ પૃથ્વી પર અવતરણ કર્યું છે. આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ માં કાત્યાયનીનું છે. મહિષાસુરના મહાઆતંક – અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ અસુરોનો ધ્વશ કરવા પોતાના ત્રણે અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કરાવ્યું. તેમજ એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરીત એવી મહાશક્તિની પૂજા – આરાધના કરાવી. એ પૂજા સર્વ પ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયનીએ કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયની પુત્રીરૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતુ. માંનું આ સ્વરૂપ અમોધ ફળદાયક ગણાય છે. એટલે કે સ્વરૂપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો. તેમની સાધનાનો મંત્ર છે…
कंचनाभा वराभयं पद्मधरां मुकटोज्जवलां।
स्मेरमुखीं शिवपत्नी कात्यायनी नमोस्तुते॥
7. માનું સાતમા નોરતે કાલરાત્રીનું સ્વરૂપ
સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રી સ્વરૂપ રૂદ્ર ભયાનક સ્વરૂપ છે. છતાં એ આસુરોના સંહાર અર્થે છે. એ રાત્રીની દેવી છે. માર્કેન્ડેય પુરાણખંડ ૮૧-૯૩ મા દુર્ગા સપ્તસતીમાં કાલરાત્રીની કથા છે. તે ઉપરાંત સ્કંદપુરાણમાં શિવ પાર્વતી (કાલરાત્રી) તરીકે કથા છે.
માં દુર્ગાનું કાળરાત્રી સ્વરુપ દુષ્ટ અને ખરાબ શક્તિઓનું નાશક છે. દેખાવમાં અત્યંત ભયાવહ માં પોતાના ભક્ત માટે પુત્ર સમાન વાત્સલમૂર્તી બની જાય છે. તેમનું સ્વરુપ અંધકાર જેવું કાળું વાળ ખુલ્લા અને ગધેડા પર સવારી કરતું છે. આ સ્વરુપમાં માતાને ત્રણ નેત્ર છે. જેનાથી નીકળતું તેજ આસૂરી અને ખરાબ શક્તિનું નાશ કરે છે. માંના આ સ્વરૂપની પૂજા અર્ચના અને ધ્યાનથી તમારા તમામ પ્રકારના ભયનો નાશ થાય છે અને કોઇ ઘોર મુશ્કેલીમાં કે શત્રુ વચ્ચે ફસાઇ ગયા હોવ તો તાત્કાલિક મુક્તિ મળે છે.
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता
लम्बोष्टी कर्णिककर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
8. આઠમે નોરતે મહાગૌરીનું સ્વરૂપ
આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના – પૂજા – સાધના કરવી જોઇએ. આ શુભદિને મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયાં હતાં અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશિષ તેમણે આપ્યા હતા. આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આજે દરેક માનાં નવરાત્રિ સ્થાને માતાના મંદિરે શતચંડી હવન થાય છે. આજે દક્ષના યજ્ઞાનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રૂદ્ર સ્વરૂપે કરોડો યોગીનીઓ સાથે પ્રગટ થયેલાં.
મહાગૌરી સ્વરુપ માતાનું સુંદરઆભામંડળ સાથે સર્વશક્તિ સ્વરૂપ છે. માંના આ સ્વરુપને અન્નપૂર્ણા ઐશ્વર્ય પ્રદાતા માનસિક શાંતિ આપનાર અને સાંસરિક તાપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે. માં દૂર્ગાના આ સ્વરુપની પૂજા એટલા માટે કરવામાં આવે છે કેમ કે જ્યારે માતા આ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે તેમની ઉંમર 8 વર્ષના બાળા સમાન હતી.
वन्दे वांछित कामार्थे चन्द्रार्घकृत शेखराम्।
सिंहरूढ़ा चतुर्भुजा महागौरी यशस्वनीम्॥
9. નવમે નોરતે માનું સિધ્ધદાત્રી સ્વરૂપ
નવમે નોરતે માના સિધ્ધદાત્રી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઇએ. મા અષ્ટસિધ્ધિ પ્રદાન કરતી દેવી. માર્કેન્ડેય પુરાણ મુજબ સિધ્ધદાત્રીમાં જે અષ્ટ સિધ્ધિદાત્રી છે. એ મહિમા મહાવાણી, કલ્પવૃક્ષ, સુષ્ટિ, સામર્થ્ય, અમરતત્વ, સર્વન્યાકત્વ અને ભાવના પ્રદાન કરતી છે. દેવી પુરાણ અનુસાર શિવે માતા સિધ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ “અર્ધનારીશ્વર” તરીકે ઓળખાય છે.
માં આદ્યશક્તિ પોતાના સિદ્ધિદાત્રી સ્વરુપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માં સિદ્ધિદાત્રીનું આ સ્વરુપ શાંત મુદ્રામાં રહીને પોતાના ભક્તોને અભયદાન આપ છે. ભગવાન શિવને પતિરુપે પામવા માટે માતાએ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના પરિણામે તેમનો રંગ શ્યામ પડી ગયો હતો. જે બાદ મહાદેવની કૃપાથી ગંગાજળમાં સ્નાન કરીને માતાએ દિવ્ય મનોહર શાંત સ્વરુપ ધારણ કર્યું. તેથી તેમના આ સ્વરુપના પૂજનથી માતા પોતાના ભક્તોની લૌકિક અને પારલૌકિક તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥
આ પણ અહીંયા વાંચો જરૂરથી મજાની પોસ્ટ છે….
ભારતમાં નવરાત્રીનો પાવન તહેવાર
નવરાત્રીના આ પાવન અવસર પર માં અંબેના લાખો ભક્તો તેમની પૂજા-આરાધના કરે છે. જેથી તેમને તેમની શ્રદ્ધાનું ફળ માં ના આશીર્વાદના રૂપમાં મળી શકે છે. આ નવરાત્રી દરમિયાન માતાના ભક્તો પોતાના ઘરોમાં માતાનો ગરબો મૂકે છે, દરબાર સજાવે છે. તેમાં માતાના વિભિન્ન રૂપોની પ્રતિમા અથવા ચિત્રને મૂકીને માતાજીની સજાવટ કરે છે. નવરાત્રીના દસમા દિવસે માતાની પ્રતિમાને અને માતાજીના મૂકેલા ગરબાના ઘટને ઘણી ધૂમ ધામથી જળમાં વિસર્જિત કરવામાં આવે છે.
ભારતમાં નવરાત્રીના સમયે અલગ અલગ જગ્યા ઉપર ગરબા તેમજ રામલીલાનું આયોજન થાય છે. અને દસમા દિવસે રાવણના મોટા મોટા પૂતળા બનાવી તે પૂતળાનું દહન કરવામાં આવે છે.
આમ, નવરાત્રી સંબંધિત આ આર્ટિકલ તમને પસંદ આવશે. એવી આશા છે, તેમજ અંબે માંનો આશીર્વાદ તમારા ઉપર સદાય બન્યો રહે. અમારા તરફથી તમને બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!….
9 thoughts on “નવરાત્રિ મહોત્સવ 2024| Navratri festival 2024”